ઈશ્વરના શબ્દો

બહાઈ વિશ્વ કેન્દ્ર દ્વારા સંકલિત, ૧૯૮૧

સવારની પ્રાર્થના

  • હું તારા આશ્રયમાં જાગ્યો છું, હે મારા પ્રભુ, અને એ આશ્રય જે ઝંખતા હોય એમણે તારા રક્ષણના અભયસ્થાન અને તારા સંરક્ષણના કિલ્લામાં રહેવાનું હોય છે. હે નાથ, જેમ તું મારા બાહ્ય અસ્તિત્વને તારી કૃપાના પ્રભાત-પ્રકાશથી અજવાળે છે, એ જ રીતે મારા અંત:કરણને પણ તારા પ્રગટીકરણના દિવ્ય-વસંતના તેજથી પ્રકાશિત કર.

    આ પ્રભાતે હું તારી કૃપાથી ઉઠ્યો છું, હે મારા ઈશ્વર, અને તારામાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને, અને મારી જાતને તારી સંભાળ હેઠળ સમર્પિત કરીને, મારા ઘરેથી બહાર નીકળ્યો છું. તેથી, તારી દયાના સ્વર્ગમાંથી તું મારા ઉપર આશીર્વાદ વરસાવ, અને મને મારા ઘરે સલામત રીતે પાછા ફરવામાં એવી જ રીતે સમર્થ બનાવ, જેવી રીતે તેં મને મારા ઘરેથી નીકળતી વખતે તારી સુરક્ષા હેઠળ, મારા વિચારોને તારા તરફ દ્રઢપણે કેન્દ્રિત કરવામાં સમર્થ બનાવ્યો છે.

    તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી, તું એક, અતુલનીય, સર્વજ્ઞ, સર્વપ્રજ્ઞ છે.

    – બહાઉલ્લાહ