ઈશ્વરના બધા મિત્રોએ, શક્ય એટલા પ્રમાણમાં ફાળો આપવો જોઈએ, ચાહે તેમનું દાન ગમે તેટલું નાનું હોય. ઈશ્વર કોઈ આત્મા પર તેની ક્ષમતાથી વધારે બોજ આપતા નથી. આવા ફાળાઓ બધા કેન્દ્રો અને બધા શ્રધ્ધાળુઓ તરફથી આવવા જોઈએ… હે ઈશ્વરના મિત્રો! ખાતરી રાખો કે આ ફાળાઓના બદલામાં તમારી ખેતીવાડી, તમારો ઉદ્યોગ, અને તમારા વેપાર અનેક ગણો વધારાથી, સારી ભેટ અને ઉપહારોથી આશીર્વાદિત થશે. જે કોઈ એક સારું કાર્ય કરશે તેને દશ ગણો બદલો મળશે. જેઓ ઈશ્વરના માર્ગમાં તેમની ધનસંપતિનો ઉપયોગ કરે છે તેમને જીવંત ઈશ્વર વિપુલ સંપુષ્ટિ આપશે તેમાં કોઈ શંકા નથી.
હે ઈશ્વર, મારા ઈશ્વર! તારા સાચા પ્રેમીઓના લલાટને તેજસ્વી બનાવ અને નિશ્ચિત વિજયના દિવ્ય સૈન્યથી તેમને મદદ કર. તારા સીધા માર્ગ પર તેમના ચરણોને અડગ બનાવ અને તારી પ્રાચીનત્તમ ઉદારતાથી તારા આશીર્વાદના દ્વાર તેમની સમક્ષ ખોલી દે; કારણકે તેઓ તારા ધર્મનું રક્ષણ કરીને, તારા સ્મરણમાં વિશ્વાસ રાખીને, તારા પ્રેમ માટે તેમના હ્રદયોને સમર્પિત કરીને, તારા સૌંદર્યના પ્રેમ માટે અને તને પ્રસન્ન કરવાના ઉપાયોની શોધમાં, તેમની પાસે જે કંઈ છે અને તેં જે કંઈ તેમને પ્રદાન કર્યું છે તેનો તારા માર્ગમાં ઉપયોગ કરી રહ્યા છે.
હે મારા નાથ! તેમના માટે વિપુલ હિસ્સો, નિર્ધારિત બદલો અને નિશ્ચિત પુરસ્કાર પ્રદાન કર.
ખરેખર, તું પાલનહાર, સહાયક, ઉદાર, કૃપાળુ અને સદા-ક્ષમશીલ છે.
– અબ્દુલબહા