કહો: હે પરમેશ્વર, મારા પરમેશ્વર! મારા મસ્તકને ન્યાયના મુગટથી, અને મારા લલાટને સમતાના આભૂષણથી વિભૂષિત કર. તું, ખરેખર જ, ઉપહારો અને વરદાનોનો અધિશ્વર છે.
– બહાઉલ્લાહ
બહાઈ વિશ્વ કેન્દ્ર દ્વારા સંકલિત, ૧૯૮૧
કહો: હે પરમેશ્વર, મારા પરમેશ્વર! મારા મસ્તકને ન્યાયના મુગટથી, અને મારા લલાટને સમતાના આભૂષણથી વિભૂષિત કર. તું, ખરેખર જ, ઉપહારો અને વરદાનોનો અધિશ્વર છે.
– બહાઉલ્લાહ
હે મારા પરમેશ્વર! હે મારા પરમાત્મા! તારા સેવકોના હ્રદયો એક કર અને એમની સમક્ષ તારો મહાન ઉદ્દેશ પ્રગટ કર. તેઓ તારા આદેશો માને અને તારા કાયદાઓનું પાલન કરે. હે ભગવાન! તેમના પુરુષાર્થમાં સહાયક બન, તારી સેવા કરવાની એમને શક્તિ આપ. હે પ્રભુ, એમને એકલા ન છોડી દે, બલ્કે તારા જ્ઞાનના પ્રકાશથી એમના ચરણોને માર્ગ દેખાડ અને તારા પ્રેમથી એમના હ્રદયોને હર્ષિત કર. તું જ ખરેખર એમનો સહાયક અને સ્વામી છે.
– બહાઉલ્લાહ
હે પ્રભુ, માનવજાત પ્રત્યેની તારી પ્રેમની અભિવ્યક્તિ માટે તારો જયનાદ થાઓ! હે તું જે અમારું જીવન અને પ્રકાશ છે, તારા માર્ગમાં તારા સેવકોનું માર્ગદર્શન કર, અને અમને સમૃદ્ધ બનાવ અને તારા સિવાય બીજા બધાથી મુક્ત કર.
હે ઈશ્વર, અમને તારા એકત્વનું શિક્ષણ આપ અને અમને તારી એકતાનો સાક્ષાત્કાર કરાવ, કે જેથી અમે તારા સિવાય બીજું કશું જ ન જોઈએ. તું દયાળુ અને વરદાતા છે!
હે ભગવાન, તારા પ્રિયજનોનાં હ્રદયોમાં તારા પ્રેમની અગ્નિ પ્રગટાવ કે જે તારા સિવાય, બીજા બધા વિચારોને ભસ્મીભૂત કરી દે.
હે પ્રભુ, અમારી સમક્ષ તારી અનર્ગળ અનંતતા પ્રગટ કર -કે તું સદૈવ રહેશે અને તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. સાચે જ, માત્ર તારામાંથી જ અમને શાતા અને બળ પ્રાપ્ત થશે.
– બહાઉલ્લાહ