હે ઈશ્વર! હે ઈશ્વર! આ કપાયેલી પાંખવાળું એક પક્ષી છે અને એની ઉડાન ખુબજ ધીમી છે -તેની સહાયતા કર કે એ સમૃદ્ધિ અને મુક્તિના શિખર તરફ ઉડાન ભરી શકે, અનંત અંતરિક્ષમાં અત્યંત આનંદ અને ખુશીથી સર્વત્ર વિચરણ કરી શકે, બધા પ્રદેશોમાં તારા સર્વોચ્ચ નામના મધુર શૂરનો નાદ ગજાવી શકે, આ આહ્વાનથી કાનને આનંદિત કરી શકે, અને તારા માર્ગદર્શનના ચિન્હોનું દર્શન કરીને આંખોને તેજસ્વી બનાવી શકે.
હે સ્વામી! હું એકલો, અટૂલો અને દીનહીન છું. તારા સિવાય મારું બીજું કોઈ પીઠબળ નથી, તારા સિવાય બીજો કોઈ મદદગાર નથી, તારા સિવાય બીજો કોઈ પાલનહાર નથી. તારી સેવામાં મને દ્રઢ બનાવ, તારા દેવદૂતોની સેનાથી મને મદદ કર. તારા પાવન શબ્દના પ્રસારમાં મને વિજયી બનાવ અને મને તારા લોકમાં તારી વિવેક વાણીનો ઉચ્ચાર કરવા યોગ્ય બનાવ. ખરેખર, તું નિર્બળનો સહાયક અને નાનાઓનો રક્ષણહાર છે, અને સાચે જ, તું શક્તિશાળી, સમર્થ અને અબાધિત છે.
– અબ્દુલબહા