તારી સ્તુતિ હો, હે મારા સ્વામી, મારા ઈશ્વર! તારા ધર્મ-પ્રગટીકરણના નામ પર કે જેથી અંધકાર પ્રકાશમાં બદલાઈ ગયો છે, કે જેથી વારંવાર ધર્મ-મંદિરનું નિર્માણ થયું છે, અને લિખિત પવિત્ર પત્રી પ્રગટ થઈ છે અને સુવિસ્તૃત નામાવલીનું અનાવરણ થયું છે, તે નામથી હું તારી યાચના કરું છું કે, મારા ઉપર તેમજ મારા સાથીઓ ઉપર તારી એ દયા વૃષ્ટિ કર કે, જેથી અમે તારી પારગામી ભવ્યતાના મહિમામય સ્વર્ગમાં આરોહણ કરી શકીએ તથા એવી શંકાઓના કલંકથી મુક્ત રાખ જેણે શંકાશીલ લોકોને એકતાના મંદિરમાં આવવાથી દૂર રાખ્યા છે.
હું તે છું, હે મારા નાથ, કે જેણે તારી પ્રેમાળ કરુણાની ડોરને મજબૂત રીતે પકડી રાખી છે, તથા તારી દયા અને અનુગ્રહના પાલવને વળગી રહ્યો છે. મને તથા મારા પ્રિયજનોને આ લોક અને પરલોકમાં જે શુભ છે તેનું વિધાન કર. તેના પછી, એવો ગુપ્ત ઉપહાર પ્રદાન કર, જે તેં તારી સૃષ્ટિમાં જેઓ ચુનીંદા છે તેમને પ્રદાન કર્યા છે.
હે મારા સ્વામી, આ એવા દિવસો છે જેમાં તેં તારા સેવકોને ઉપવાસ રાખવાનો આદેશ આપ્યો છે. ભાગ્યશાળી છે એ કે જે કેવળ તારા માટે અને તારા સિવાય સકળ ચીજોથી અનાસક્ત થઈને ઉપવાસ રાખે છે. તારી આજ્ઞાઓનું પાલન કરવામાં અને તારા આદેશો અનુસાર ચાલવામાં મને અને એ લોકોને, હે મારા સ્વામી, સહાય કર. નિસંદેહ તું ધારે તે કરવા સમર્થ છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી, તું સર્વજ્ઞ, સર્વપ્રજ્ઞ છે. સમસ્ત લોકના પ્રભુ એવા ઈશ્વરની સર્વસ્તુતિ હો.
– બહાઉલ્લાહ