ઈશ્વરના શબ્દો

બહાઈ વિશ્વ કેન્દ્ર દ્વારા સંકલિત, ૧૯૮૧

આધ્યાત્મિક સભા

  • જ્યારે પણ તમે પરામર્શ કક્ષમાં પ્રવેશ કરો ત્યારે, ઈશ્વરના પ્રેમથી ધડકતા હ્ર્દયથી અને માત્ર તેના સ્મરણ સિવાય બીજા બધાથી પવિત્ર એવી જીભથી આ પ્રાર્થનાનું પઠન કરો, કે જેથી સર્વ-શક્તિશાળી સર્વોચ્ચ વિજય હાંસલ કરવામાં અનુગ્રહપૂર્વક તમારી સહાયતા કરે:

    હે ઈશ્વર, મારા ઈશ્વર! અમે તારા સેવક છીએ જેઑ તારા પાવન મુખારવિંદ તરફ ભક્તિભાવપૂર્વક ઉન્મુખ થયા છે, જેણે આ મહિમાવંત યુગમાં તારા સિવાય બીજા બધાથી અમારી જાતને અનાસક્ત કરી દીધી છે. આ આધ્યાત્મિક સભામાં, અમારા અભિપ્રાયો અને વિચારોમાં એક થઈને, માનવજાતમાં તારા પુનિત શબ્દનું યશોગાન કરવાના અમારા ઉદ્દેશમાં એક થઈને અમે ભેગા થયા છીએ. હે નાથ, અમારા પ્રભુ! અમને તારા દિવ્ય માર્ગદર્શનના ચિન્હો, મનુષ્યો વચ્ચે તારા સ્તુત્ય ધર્મનો ધ્વજ, તારી શક્તિશાળી સંવિદાના સેવક બનાવ. હે તું અમારા પરમોચ્ચ સ્વામી! અમને તારા આભા લોકમાં તારી દિવ્ય એકતાના મૂર્તરૂપ અને બધા પ્રદેશો ઉપર તેજસ્વીપણે ચમકતા તારા બનાવ. પ્રભુ! અમને તારી કૃપાની તરંગોથી ઉમડતા સમુદ્રો, તારી સર્વ-મહિમાવંત શિખરોમાંથી વહેતી સરિતાઓ, તારા દિવ્ય ધર્મના વૃક્ષ પરના સારા ફળો, તારા સ્વર્ગીય ઉપવનમાં તારી કૃપાની સુરભીથી લહેરતા વૃક્ષો બનવામાં સહાયતા કર. હે ઈશ્વર! અમારા આત્માઓને તારી દિવ્ય એકતાના શ્લોક ઉપર નિર્ભર બનાવ, અમારા હ્રદયોને તારી કૃપાની વર્ષાથી પ્રફુલ્લિત કર, જેથી અમે એક સાગરની લહેરોની જેમ સંગઠિત બની જઈએ અને તારા તેજસ્વી પ્રકાશના કિરણોની જેમ એક સાથે ભળી જઈએ; કે જેથી અમારા વિચારો, અમારા અભિપ્રાયો, અમારી લાગણીઓ એક જ વાસ્તવિકતા બની જાય, આખી દુનિયામાં એકતાની ભાવનાને પ્રગટ કરે. તું કૃપાળુ, ઉદાર, દાતા, સર્વ-શક્તિમાન, દયાળુ, કરુણામય છે.

    – અબ્દુલબહા